મોરબી : મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મરણ કરતા વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આ દીપડો આબાદ સપડાઈ ગયો હતો. ત્યાં આજે ફરી દીપડો ત્રાટક્યો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું આ બનાવની જાણ થતાં વન વિભાગ દીપડાને પકડવા માટે દોડતું થયું છે.
મોરબીના ચકમપર ગામના અગ્રણી ધનજીભાઈ ભડણીયાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, ચકમપર ગામે થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હતો અને માલધારીની એક બકરીને ફાડી ખાધી હતી. આ બનાવની જાણ થતાં વન વિભાગ આ ગામે દોડતું થઈ ગયું હતું અને ત્યારે પાંજરું ગોઠવતા એ દીપડો પાંજરામાં સપડાઈ ગયો હતો. આ દીપડો પકડાયા બાદ આજે ફરી બીજો દીપડો ત્રાટક્યો હતો અને આ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગ ચકમપર ગામે દોડી જઇ પશુઓનો શિકાર કરતા દીપડાને પકડવા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે. થોડા સમયમાં ચકમપર ગામે દીપડાએ બે પશુઓનું મારણ કરતા ગામલોકોમાં દહેશત મચી ગઇ છે.
