Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું

મોરબી જિલ્લામાં રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું

સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-૨૦૨૫’ અંતર્ગત ‘ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ’ તે થીમ નિર્ધારિત કરવામાં આવી છે.

આ ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ અંતર્ગત તારીખ ૩૦ જાન્યુઆરીથી તારીખ ૧૩ ફેબ્રુઆરી સુધી મોરબી જિલ્લાના દરેક ગામમાં રક્તપિત્ત અંગે વિવિધ માધ્યમો થકી જાણકારી આપવામાં આવી હતી. જેમાં ભીંતસૂત્ર, રેલી, પોસ્ટર, બેનર, શાળા કોલેજોમાં સ્પર્ધા, ટોક શો, આશા બહેનો અને આરોગ્ય કાર્યકરોની લાભાર્થીઓની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોક જાગૃતિના મહતમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

૧૫ દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન રક્તપિત અંગે આ વર્ષની થીમ મુજબ પ્રચાર પ્રસાર કરાયો હતો તથા રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાં રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના તમામ નાગરિકોની આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સહભાગીદારી વધે તે માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રકતપિતના લક્ષણો કઈ રીતે ઓળખવા જોઈએ ??

ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તેના પર સંવેદનાનો અભાવ હોય તો રક્તપિત્ત હોય શકે છે. તે માટે તપાસ, નિદાન અને સારવાર તદન નિ:શુલ્ક રીતે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. વહેલા નિદાનથી હાથ, પગ કે આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. જેના માટે સારવારનો ૬ થી ૧૨ માસનો સમયગાળો છે. જો દર્દીના પગમાં સંવેદનાનો અભાવ હોય તો માઇક્રો સેલ્યુલર રબર શૂઝ દર્દીને આપવામાં આવશે. જો દર્દીને ચાંદા પડેલ હોય તો અલ્સર કીટ વિના મુલ્યે આપવામાં આવશે. તેમજ આ વિકૃતિની શરૂઆત હોય તો મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ રોગ કોઈ પાપનું પરિણામ, કોઈ બુરી નજર કે કોઈ ગ્રહ પીડાના લીધે નથી થતો. પરંતુ એક પ્રકારના બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે. જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે.

રકતપિતના દર્દીઓ પ્રત્યે સંવેદનાભર્યું વર્તન અને તેઓ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ. રક્તપિત્ત મુક્ત સમાજના નિર્માણમાં તમામ મોરબીવાસીઓનો સહયોગ મળી રહે તે અપેક્ષિત છે. રકતપિત્તનું વિનામૂલ્યે નિદાન અને સારવાર મોરબી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

ચામડી પર સોજો આવે કે ચામડી જાડી બની જાય ત્યારે લાલાશ પડતાં કે ગાંઠ જણાય, હાથ કે પગના આંગળા વાંકા વળી જાય, અવાર નવાર ઇજા કે દાઝવાના નિશાન જણાય તો આ બધા રક્તપિતના લક્ષણો ગણાય છે. એમટીડી એ મલ્ટી ડ્રગ થેરપી છે. આ દવા રક્તપિતના જીવાણુઓને મારી નાખે છે અને રોગનો ફેલાવો થતો અટકાવે છે. આ રોગ કોઈ વ્યક્તિના સંસર્ગમાં આવવાથી કે સ્પર્શ થવાથી ફેલાતો નથી. રક્તપિતની સારવાર સગર્ભાવસ્થા દરમિયાન પણ સલામત છે કે જેની કોઈ આડઅસર થતી નથી. તેમ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments