હળવદ : હળવદ તાલુકાના જુના ધનાળા ગામે વાડી ધરાવતા બે દલવાડી ભાઈઓએ પોતાની વાડીમાંથી બકરાને નહિ ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી બન્ને ભાઈઓને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અને જૂના ધનાળા ગામે વાડી ધરાવતા હરજીવનભાઈ શામજીભાઈ મકવાણાએ આરોપી ગૌતમ કરણાભાઈ રબારી અને વરવીત ઉર્ફે વનિયો અમરાભાઈ રબારી રહે.બન્ને મયુરનગર નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓ તેમના બકરાને જીરુંના ઉભા પાક વચ્ચે ચલાવી રહ્યા હોવાથી ફરિયાદીએ ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બન્ને શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી ફરિયાદીના નાનાભાઈ વિષ્ણુભાઈને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.