Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશિવરાત્રી એટલે દેવાધિદેવ મહાદેવના શરણમાં જવાનો, સ્મરણમાં સરવાનો, જીવ ને શિવના મિલનનો,...

શિવરાત્રી એટલે દેવાધિદેવ મહાદેવના શરણમાં જવાનો, સ્મરણમાં સરવાનો, જીવ ને શિવના મિલનનો, આત્માને પરમાત્માના મેળાપનો અમૂલ્ય, અદ્વેયત અવસર!!ડો.દેવેન રબારી

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, શંભુ એટલે આનંદ સ્વરૂપ, વિષ્ણું વલ્લભ એટલે વિષ્ણું ભગવાનના પ્રિય, ત્રિલોકેશ એટલે ત્રણેય લોકના સ્વામી, ગંગાધર એટલે જટામાં જે ગંગા ધારણ કરે, વિશ્વેશ્વર એટલે વિશ્વના ઇશ્વર અને મૃત્યુંજય એટલે મૃત્યુને પણ જીતવાવાળા ઇશ્વર. શિવ એટલે? વિનાશના દેવ, કલાના દેવ, પ્રેમના દેવ, દેવોના દેવ મહાદેવ શિવ. પણ આ તો શિવના કર્મો થયા એમના કર્યો થયા, ખરેખર શિવ એટલે શું?! શિવ એટલે “શૂન્યતા”, શિવ એટલે “ખાલી જગ્યા”, શિવ એટલે શૂન્યાવકાશ, શિવ એટલે અંધકાર, કદાચ પ્રશ્ન થશે કે કેમ? ભગવાન અને અંધકાર કઇ રીતે? તો શિવ અંધકાર એટલે છે કારણ કે એ સનાતન છે, પ્રકાશનો આરંભ છે અંત છે પણ અંધકારનો નહિ, શિવ પણ એ જ પરમતેજ છે જેનો ન તો આરંભ છે ન અંત, એ આદિયોગી એટલે જ છે કારણ કે એ શૂન્યાવકાશ છે, દરેક ‘કંઈક’ની કંઈક મર્યાદા હોય છે પણ શૂન્યતાની નહિ એ અનંત છે જેમ શિવ છે.અને શિવ એ ખાલી ભગવાન જ નથી શિવ મિત્ર છે, પ્રેમી છે, શિવ જોગી પણ છે ને સંસારી પણ છે, મર્યાદા-પુરુષોત્તમ નથી રામ જેમ કે નથી કૃષ્ણ જેમ પૂર્ણ-પુરુષોત્તમ પણ છતાંય શિવ જેવા પતિ માટે વ્રતો થાય છે કારણ કે શિવ પ્રેમી છે, એ જો એક ક્ષણમાં રોદ્ર રૂપ લઇ તાંડવઃ કરશે તો બીજી ક્ષણે પ્રસન્ન થાય ‘તથાસ્તુઃ’ પણ કેહ્શે. પોતાની પ્રિયા સતીના વિયોગમાં એનું શબ ખભે તેડીને એ ગતિથી તાંડવઃ કરે કૈલાશની ટોચથી કે અલગ અલગ 52 ખૂણે સતીના અંગો પડે(જ્યાં શક્તિપીઠો સ્થાપિત થયા છે), ત્રણે આંખોથી ક્રોધના, વિયોગના આંસુ વહાવે એ પ્રેમી છે.. શિવ અર્ધનારેશ્વર છે કારણ કે એ જગતપિતા બનીને ઝેર પણ પીવે છે ને જગદંબા બનીને રક્ષણ પણ કરે છે,માયાળુ છે સંતાનો માટે પણ કોઈ માયા નથી એને, યુગો સુધી તપ કરે એટલો શાંત છે, અને પોતાના તાંડવની ધ્રુજારીથી આખી સૃષ્ટિ ગતિમાં રાખે એટલો ગતિમાન પણ છે, ભગવાન થઈને “પ્રભુ તમે” નથી, પણ “ભોળા તું” કહી શકાય એટલો પોતીકો છે શિવ.. એ મહાદેવ છે કારણકે એને “મહા” શબ્દની મહાનતાનું અભિમાન નથી પરંતુ એ શબ્દથી આવતી જવાબદારીઓનું ભાન છે, શિવ ભગવાન છે એટલે મહાદેવ છે ને એટલે મહાન છે એવું નથી, શિવ મહાન છે એટલે મહાદેવ છે..
શિવનો સંગમ રચાય ત્યારે શ્રેષ્ઠ શિવરાત્રી… ધાર્મિકતા નહિ,આધ્યાત્મિકતા તરફ વળાય તો શિવમય બની શકાય, આજે શિવરાત્રી છે. દેવાધિદેવ મહાદેવના શરણમાં જવાનો,સ્મરણમાં સરવાનો અમૂલ્ય અવસર છે. નકરી ધાર્મિકતા બેશુદ્ધિ જેવી સ્થિતિ ગણાય,વર્તમાન સમયમાં ધાર્મિકતાનો પ્રભાવ ચોમેર છે,આપણી તાકાતનું મૂળ આધ્યાત્મિકતા છે.ધાર્મિકતા નુકસાનકારક નથી,પણ સમજ વગરની સૂકીભઠ્ઠ ધાર્મિકતા બેશુદ્ધિની અવસ્થાથી વિશેષ કંઇ નથી. મંદિરોમાં જવાથી માણસ પાવન થાય છે કે નહિ એ ખબર નથી,પરંતુ માણસોના આગમનથી ઘણા દેવસ્થાનો અપવિત્ર બની ગયા છે.આગળ કહ્યું તેમ આપણી મૂળ તાકાત આધ્યાત્મિકતા છે.અંદર ઘુઘવતા વાઇબ્રેશનના દરિયામાં ડૂબકી મારવાની અનેક પદ્ધતિઓ અધ્યાત્મમાં અપાઇ છે. આ સમંદરના ઊંડાણમાં શિવતત્વના મોતીડા સાથે મિલન થઇ શકે છે,જેને જીવ અને શિવનો સંગમ કહી શકાય.આ સંગમ જે ક્ષણે રચાય એ ક્ષણ સાચી મહાશિવરાત્રી ગણાય. મહાદેવ બ્રહ્માંડના-સંસારના સ્વામી છે, શિવ-પ્રતિકોમાં ડમરૃં, ત્રિશૂલ, શંખ છે. ડમરૂ આધ્યાત્મિકતા તરફ જાગવા માટેનો નાદ છે. ત્રિશૂલ અપલક્ષણો-અસમજના વધનું પ્રતિક છે અને શંખનાદ આધ્યાત્મિકતા તરફ કૂચ કરવાનો નાદ છે. ધર્મક્ષેત્રમાં આધ્યાત્મિકતાનો પ્રભાવ ઘટતો જાય એ ગંભીર બાબત ગણાય.ધર્મક્ષેત્રે વ્યવસાયિક દૃષ્ટિકોણનો પ્રભાવ વધતો જાય એ અતિગંભીર બાબત ગણાય. ધર્મની મુખ્યધરી ભકતોની સમજ છે. સમજનો આધાર શુદ્ધિ પર છે. બેશુદ્ધિની અવસ્થા દૂર થાય તેમ-તેમ શુદ્ધિનો પ્રવેશ થાય છે. મહાશિવરાત્રી એ મહાદેવને પ્રાર્થના કરીએ કે અમને બેશુદ્ધિ તરફથી શુદ્ધિ તરફ ગતિ કરાવો.. મહાશિવરાત્રિ પર્વે નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ .. ભગવાન શિવની કૃપા તથા આશીર્વાદ આપ સૌ ની સાથે સદાય રહે તેવી ડો.દેવેન રબારી ( યંગ ઇન્ડિયા ગ્રુપ ) ની ભોળાનાથ ને પ્રાર્થના… ૐ નમ:શિવાય. હર હર મહાદેવ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments