માળીયા મિયાણા ગામે રહેતા મહિલાને કાકાજી સસરા સાથે જમીન બાબતે મનદુઃખ ચાલતું હોય કાકાજીના સગા સાળા સહિતના બે શખ્સોએ મહિલાના ઘેર આવી કારમાં તોડફોડ કરી નુકશાન કરવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા સરકારી દવાખાના પાછળ દેસરભાઈ મોવરની વાડીમાં રહેતા સમીરાબેન અકબરભાઈ મોવર ઉ.34 નામના મહિલાએ માળીયા પોલીસ મથકમાં આરોપી યુસુફ ઉર્ફે ચિટર કાદરભાઈ જેડા અને સાહિલ યુસુફભાઈ જેડા રહે.બન્ને માળીયા વાડા વિસ્તાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, સમીરાબેનને તેઓના કાકાજી ગફારભાઈ સાથે જમીન બાબતે મનદુઃખ ચાલતું હોય ગફારભાઈના સગા સાળા એવા આરોપીઓ થાર ગાડી તેમજ બાઇકમાં હાથમાં ધારીયા અને છરી લઈ આવ્યા હતા. બાદમાં બન્ને શખ્સોએ ઝઘડો કરી ફરિયાદી તેમજ સાહેદને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી બ્રેજા ગાડીમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.