મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાડાના મકાનમાં ભુલાઈ ગયેલ રૂ. 13.40 લાખની રોકડ અને દાગીના ભરેલ થેલો ચોરી થવાની ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આ મકાન પાડવા આવેલ મહિલા સહિત ત્રણ મજૂરોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં સતેશ્વર મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનના રહેતા મૂળ પીપળીયા ગામના વતની હસમુખભાઈ લખમણભાઈ કોઠીયાએ ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.26 ફેબ્રુઆરીના રોજ તેમનું ઘરનું મકાન તૈયાર થઈ જતા તેમની સામેના ભાગે આવેલ ભાડાનું મકાન ખાલી કર્યું હતું. આ સમયે ભાડાના મકાનમાં કબાટમાં રોકડા રૂ.3.20 લાખ તેમજ 14.7 તોલાના દાગીના સાથેનો થેલો જુના મકાનમાં જ ભુલાય ગયા હતા. આ થેલાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. હસમુખભાઈએ ભાડાના મકાનને પાડવા આવેલ મજૂરો જ આ થેલો ચોરી કરી ગયા હોવાની શંકા પણ મકાન માલિકે દર્શાવી હતી. બીજી તરફ સીટી એ ડિવિઝન પોલીસે ચોરીની આ ઘટનામાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરુ કરતા મકાન પાડવા આવેલ મધ્યપ્રદેશના વતની અને હાલમાં દલવાડી સર્કલ પાસે ઝૂંપડામાં રહેતા મજૂર એવા આરોપી રાકેશ વાગુભાઈ નિનામા, મુકેશ વાગુભાઈ નિનામા અને જ્યોતિબેન રાકેશભાઈ નિનામાએ ચોરી કરી હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેતા ચોરીમાં ગયેલ રોકડ તેમજ 14.7 તોલા સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ સફળ કામગીરી માં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ તથા રાજદીપસિહ રાણા એ.એસ.આઇ તથા એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ કિશોરભાઈ મિયાત્રા તથા એ.એસ.આઇ જયવંતસિંહ ગોહિલ તથા એ.એસ.આઇ ધર્મન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ હિતેષભાઈ ચાવડા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાયેલા હતા
