મોરબી : કમરે હથિયાર ટીંગાડી સીનસપાટા કરતા લોકોને હથિયાર પરવાનાના નિયમોની જાણકારી હોવા છતાં હદ બહાર નીકળી રોફ જમાવતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં ટંકારા પોલીસે કમરે ફટકડી ટીંગાડી રોફ જમાવનારા રાજકોટના ઇસમને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી લાયસન્સવાળું હથિયાર તેમજ પાંચ જીવતા કારતુસ કબ્જે કરી પોલીસે હથિયાર પરવાના ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – મોરબી હાઇવે ઉપર નગરનાકા નજીકથી આરોપી દુર્ગેશ કાંતિલાલ સગપરિયા ઉ.35 રહે. સરદાર મેઇન રોડ, સાધના સોસાયટી, રાજકોટ નામના ઇસમને 10 હજાર રૂપિયાની રિવોલ્વર તેમજ 5 જીવતા કારતુસ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી પાસે રાજકોટ શહેર પોલીસ કમિશનરનો હથિયાર પરવાનો હોવાનું જણાવ્યું હતું. જો કે, નિયમ મુજબ આરોપી આ હથિયાર રાજકોટ શહેર પૂરતું જ રાખી શકતો હોવા છતાં સીનસપાટા માટે હથિયાર સાથે રાખી હથિયાર પરવાનાના નિયમનો ભંગ કરતા ટંકારા પોલીસે હથિયાર કબજે કરી આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.