મોરબી : મોરબીના સમાજિક કાર્યકર અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તાત્કાલિક ધોરણે યોજવા જણાવ્યું છે.
કાન્તિલાલ બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાતમાં આશરે 7 હજાર જેટલી ગ્રામ પંચાયતની ટર્મ ફેબ્રુઆરી 2023થી આજ દિવસ સુધીમાં પૂરી થઈ ગઈ છે. જેથી આ ગામમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જેના કારણે આ ગામનો વિકાસ અટકી ગયો છે. લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકતા નથી. લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવામાં હાલાકી પડી રહી છે. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવે. હવે જો ચૂંટણી યોજવામાં વિલંબ કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન આ બાબતે સમગ્ર રાજ્ય કક્ષાએ ઉગ્ર અંદોલન કરશે તેમ જણાવાયું છે.
