મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે પોતાના ટ્રકનું વાછટિયું સરખું કરવા ઉતરેલા ટ્રક માલિકને અજાણ્યા ટેન્કર ચાલકે હડફેટે લઈ કચડી નાખતા બનાવ સ્થળે જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાયો છે.
કચ્છના નલિયાથી સિમેન્ટ ભરી મોરબી ખાલી કર્યા બાદ મીઠું ભરવા માળીયા તરફ જઈ રહેલા ટ્રકના પાછળના જોટાનું વાછટીયું સરખું કરવા ઉતરેલા દેવભૂમિ દ્વારકાના ઓખા ગામના વતની નૂરમામદ હુસેનભાઈ રૂંજાને અજાણ્યા ટેન્કર ચાલકે હડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે તેમની સાથે રહેલા ટ્રક ચાલક ધનાભાઈ દેવરાજભાઇ ચાનપાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.