મોરબીમાં ફાટીને ધુમાડે ગયેલા વ્યાજખોરોને પોલીસનો જરા પણ ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ વચ્ચે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના કિસ્સામાં યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો ખાર રાખી નામચીન શખ્સે યુવાનને પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વધુ એક ગુન્હો નોંધાયો છે.
મોરબીમાં લેથકામનો ધંધો કરતા અને નાની કેનાલ રોડ ઉપર અવધ -4મા રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવર નામના યુવાને આરોપી ભરત ઉર્ફે બી.કે.બોરીચા રહે.બોરીચાવાસ, લીલાપર રોડ, મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે અગાઉ આરોપી ભરત ઉર્ફે બી.કે.પાસેથી વ્યાજે રૂપિયા લઈ અડધા રૂપિયા પરત આપી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપીએ પોલીસ ફરિયાદનો ખાર રાખી ફોન કરી બેફામ ગાળો આપી રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.