પોલીસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની બેઠકમાં સિરામિક રો-મટિરિયલ એસોસિએશનમાં જોડાવાનો નિર્ણય લેવાયો
મોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો લાંબી ઉધારીથી દૂર જઈ રહ્યા છે. તાજેતરમાં પેપરમિલના ઉદ્યોગકારોએ પણ આ અંગે નિર્ણય લીધા બાદ હવે પોલીશીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટે પણ લાંબી ઉધારી નહિ આપવાનો નિર્ણય લીધો છે. તેઓએ 90 દિવસ સુધી જ બાકીમાં માલ આપવાનો નિર્ણય કર્યો છે.
સિરામિક ઉદ્યોગમાં હાલ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે. જેને કારણે તેને સંલગ્ન ઉદ્યોગોને પણ માઠી અસર પડી રહી છે. તેવામાં મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગ મળી હતી.
એબ્રેસિવ, સ્કોરિંગ વિલ, નેનો પેડ વિગેરે સપ્લાય કરતા 40 થી વધુ સપ્લાયરો આ મિટિંગમાં ભેગા થયા હતા અને બધાએ રો-મટીરીયલ એસો.માં જોડાવા માટેની કાર્યવાહી કરી હતી અને આ મિટિંગમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમકે ઓવર ક્રેડિટ બંધ કરવું, પેમેન્ટ દેવાના સમયે સપ્લાયર ચેન્જ કરીને કારખાનેદારો દ્વારા માલ લેવો, ખાસ કરીને હાલમાં 240 થી 400 દિવસથી પણ વધારે જે ફેક્ટરીએ પેમેન્ટ કલેક્શન બાકી રાખેલ છે તે ફેક્ટરીઓ પર કઈ રીતે સપ્લાયર્સના પેમેન્ટનું કલેક્શન કઢાવવું વિગેરે બાબતની ચર્ચા કરી હતી અને આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી 1 એપ્રિલ થી માત્ર 90 દિવસ જ સપ્લાય 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ આપશે તેનાથી વધુ પેમેન્ટ ક્રેડિટ કોઈ ઉધોગકારોને આપવામાં આવશે નહીં જે નિર્ણય ઉપર બધા સહમત થયા હતા.



