સફાઈ ઝુંબેશના ચેકીંગ દરમિયાન ધ્યાને આવેલા 15 દબાણનો કડુસલો બોલાવી દીધો
મોરબી : મોરબી શહેરને દબાણમુક્ત બનાવવાં મહાનગર પાલિકા દ્વારા હાલમાં જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે સવારે સફાઈ કામગીરીના ચેકીંગ દરમીયાન રિલીફ નગરમાં રસ્તાની વચ્ચોવચ ખડકી દેવાયેલ બાંધકામોનો કોર્પોરેશને કડુસલો બોલાવી દીધો હતો.
મોરબી શહેર મહાનગર બનતાની સાથે જ શહેરમાં ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રની તવાઈ ઉતરી છે. દર અઠવાડિયે બુધવારે અને શુક્રવારે દબાણ દૂર કરવાની સાથે સોમવારે સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જેમાં સોમાવરે વહેલી સવારે શહેરના રિલીફ નગરમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની સફાઈ નિરીક્ષણ નગરયાત્રા દરમિયાન દબાણો જોવા મળતા તાત્કાલિક આ દબાણ હટાવવામાં આવ્યા હતા. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે રીલીફનગરમાં રોડની વચ્ચોવચ ખડાકાઈ ગયેલ 15 જેટલા દબાણ દૂર કરી આગામી દિવસોમાં બાંધકામ પરવાનગી વગરના તેમજ બાંધકામ પરવાનગીમાં નિયમભંગ સહિતના તમામ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામા આવશે તેવું જણાવ્યું છે.
