મોરબી – નવલખી રોડ ઉપર એસટી બસને લેવા માટે જઈ રહેલા એસટી ડેપોના કેરિયર વાહનની પાછળ એસટી બસના ચાલકે જ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ આ એસટી બસ અન્ય કાર અને ટ્રક સાથે અથડાતા બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસટી ડેપોની બસ નાની બરાર ગામે બંધ પડેલી હોય મોરબી ડેપોનું કેરિયર વાહન આ બસ લેવા માટે જતું હતું ત્યારે નવલખી રોડ ઉપર બ્રહ્મપુરી પાસે સામેથી કાર આવતી હોય કેરિયર ચાલક ફરિયાદી પરેશ દિનકરરાય ભટ્ટે પોતાનું વાહન ઉભું રાખી દેતા પાછળથી જીજે – 18 – ઝેડ – 7638 નંબરની બસના ચાલકે જોરદાર ટક્કર મારી આગળ રહેલી કાર અને ટ્રક સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કેરિયર ચાલક પરેશભાઈને તેમજ એસટી બસમાં બેઠેલા મુસાફરોને ઇજાઓ પહોંચતા અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.