મોરબી : મોરબીના અનેક રોડ ખખડધજ હાલતમાં હોય તાકિદે તમામ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માગ મોરબીના સામાજિક કાર્યકરોએ કરી છે અને આ મામલે મોરબી મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા અને ગીરીશભાઈ કોટેચાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નહેરૂ ગેઈટ ચોકમાં ખાતમુહૂર્ત કર્યું હતું તે દરબારગઢથી નહેરૂ ગેઈટ રોડ ચોમાસા પહેલા થઈ જશે તેમ કહેવાયું હતું. પરંતુ આ બીજું ચોમાસુ આવશે તેમ છતાં રસ્તાનું કામ થયું નથી. ટેક્સ ઉઘરાવવામાં મોરબી નંબર વન છે તેમ છતાં પ્રજાને સુખાકારીના કોઈ સાધનો મળ્યા નથી. આ ઉપરાંત મોરબીમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોકથી નહેરૂ ગેઈટ તથા જડેશ્વર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ સંપૂર્ણ નાશ પામ્યો છે.
જેના કારમે વેપારીઓ અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ધારાસભ્ય મોટી મોટી વાતો કરે છે પરંતુ કામગીરી થતી નથી. ત્યારે આ તમામ રોડનું કામ ચોમાસા પહેલા બનાવવામાં આવે તેવી વેપારીઓની પણ માગ છે.