ટંકારાની ખીજડીયા ચોકડીએ સ્પિડ બ્રેકર દૂર કરાતાંની સાથે 3 અકસ્માત સર્જાયા
ટંકારા : ટંકારા શહેરમાં મોરબી રાજકોટ અને ખીજડીયા જવાની ચોકડી પાસે સતત ટ્રાફિક ધમધમાટ હોવા છતાં માર્ગ અને મકાન વિભાગે કોઈ પણ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે કામ કરવાના બદલે હાઈવે ઈન્ચાર્જ વિવાદાસ્પદ બાસિદાએ તાત્કાલિક જીસીબીથી સ્પિડ બ્રેકર દુર કરી દેતા એક દિવસમાં ત્રણ જેટલા ગંભીર અકસ્માત સર્જાયા હતા.
આજે બપોરના 1 વાગ્યાની આસપાસ ખીજડીયા ચોકડીએ કારે રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને ઠોકર મારી હતી. જેથી બાઈક ચાલકના પગના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે પોલીસ વિભાગ, ગામના આગેવાનો અને રાહદારીઓએ આ રોડ વિભાગને ગઈકાલે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરી પહેલા સાઇન બોર્ડ, રોડ સફાઈ, રિફલેકટર, રોડ ઉપર પટા સહિત લગાવ્યા બાદ સ્પિડ બ્રેકર દુર કરવા જણાવ્યું હતું. પરંતુ રોડ ગાઇડલાઇનના બાના તળે એક પણ યોગ્ય પગલા લીધા વિના ખાડા ખબડા કરી રોડ ઉપર બ્રેકર દુર કરી દેતા અકસ્માતની હારમાળા સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ટંકારા રાજકોટ મોરબી રોડ પર શહેરના તમામ ક્રોસિંગ બંધ કરી દેતા વાહન ચાલકોના છુટકે ખીજડીયા ચોકડી અને લતીપર ચોકડી જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ નિયમોનું પાલન કરવામાં પાછીપાની કરતુ તંત્ર શનાળા, ગૌવરીદળ, બેડીના ડઝનેક સ્પિડ બેકર ન દેખાયા ને તાલુકા મથકનું એક સ્પિડ બ્રેકર દુર કરી રીતસર અકસ્માતની હારમાળા સર્જી છે. આ અંગે વિદ્યાર્થી એકતા સંગઠને તાકીદે ટંકારા ટાઉન હદમાં નીતિ નિયમો મુજબ બ્રેકર અને લાઈન સાઈડ સહિત સાફ સફાઈ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.