Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશું છે આ સીડબોલ: કેવી રીતે બનાવી શકાય ? જાણો...

શું છે આ સીડબોલ: કેવી રીતે બનાવી શકાય ? જાણો…

સીડબૉલ બનાવવા માટેની શરૂઆત નેચરલ ફાર્મિંગ શરૂ કરનાર જાપાની પર્યાવરણપ્રેમી Masanobu Fukuoka એ કરી હતી. ઈજિપ્તમાં નાઈલ નદીમાં પૂર આવવાના કારણે થયેલ નુકસાન બાદ ફરીથી ઝાડ વાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે આપણા દેશમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

સીડબૉલ નામ તો તમે સાંભળ્યું જ હશે, તેના ઉપયોગ વિશે પણ ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેને ઘરે કેવી રીતે બનાવી શકાય, એ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. સીડ બૉલ અર્થબૉલ તરીકે પણ ઓળખાય છે. જેમાં વિવિધ પ્રકારનાં બીજને ફળદ્રુપ માટીમાં વિંટીને દડા બનાવવાવામાં આવે છે.

સતત ઘટી રહેલ હરિયાળીના કારણે આખી પૃથ્વી ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહી છે, અને તેનું સમાધાન લાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ જ છે. વૃક્ષોથી હવામાં ઑક્સિજનનું પ્રમાણ તો વધે જ છે, સાથે-સાથે વૃક્ષો વરસાદ પણ ખેંચી લાવે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં પણ મહત્વનો રોલ અદા કરે છે. પરંતુ દરેક જગ્યાએ રોપા વાવવા જવું શક્ય નથી બનતું ત્યાં સીડબૉલ ખૂબજ ઉપયોગી નીવડે છે. સરળતાથી ઊગી નીકળતાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજમાંથી સીડબૉલ બનાવી ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો, તેના પર વરસાદ પડતાં તેમાંથી અંકૂર ફૂટી નીકળે છે અને ઝાડ-છોડ ઊગી નીકળે છે.

ચોમાસા દરમિયાન આ સીડબૉલ નાખવાથી ત્યાં નિયમિત પાણી પાવા જવાની પણ જરૂર નથી પડતી, વરસાદના પાણીથી જ તેનો વિકાસ થઈ જાય છે. તો પછી તમે કોની રાહ જુઓ છો, વરસાદની શરૂઆત થઈ છે તો, સીડબૉલ બનાવી તમે પણ વિવિધ જગ્યાએ તેને નાખો અને બાળકો પાસે પણ નખાવો, જેથી તેઓ પણ અત્યારથી પ્રકૃતિની નજીક આવે. સીડબોલ બનાવવા માટે સૌપ્રથમ આસોપાલવ, અરીઠા, ઉમરો, ખીજડો, ખાખરો, જાંબુ, ગોરસ આમલી, ગરમાળો, ગુંદી, ગુંદો, ચણીબોર, પુત્રંજીવા, પીલુડી, ફાલસા, બોરસલી, બીલી, બોર, રામબાવળ, રાયણ, વડ, શીણવી, કડવો લીમડો, સીતાફળ, તુલસી વગેરેમાંથી જેનાં પણ બીજ મળી શેક તેનાં બીજ ભેગાં કરો.

ત્યારબાદ ખેતરની માટી લાવો અને તેના પર થોડું પાણી છાંટી ભીની કરો. જો તમારી પાસે છાણીયું ખાતર કે કંપોસ્ટ ખાતર હોય તો તેને પણ આ માટીમાં મિક્સ કરી શકાય છે.આ દરમિયાન તમે ભેગાં કરેલ બધાં જ બીજને અલગ-અલગ તારવી દો.  હવે નાના બૉલ જેટલી માટી હાથમાં લો અને માટીની વચ્ચે 2-3 બીજ રાખી બૉલ વાળીને તેને સૂકવવા મૂકી દો. આ રીતે બધા જ બૉલ તૈયાર કરી દો.તૈયાર છે સીડબૉલ.હવે જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે રસ્તાની આસપાસ ઝાડી-ઝાંખરમાં, ગૌશાળાની આસપાસ, શાળાના મેદાનની કિનારી પર જેવી સુરક્ષિત જગ્યાઓએ આ સીડબૉલ નાખો. તેના પર વરસાદનું પાણી પડતાં જ, બે-ત્રણ દિવસમાં તેમાંથી અંકુર ફૂટી નીકળશે. એવું બની શકે કે, બધાં બીજ ન પણ ઊગે, પરંતુ તેમાંથી 30-40% ટકા બીજમાંથી પણ ઝાડ-છોડ ઊગી નીકળશે તો, ઘણી હરિયાળી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments