મોરબી : મોરબી શહેરમાં આવેલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને ક્વાટર્સ ફાળવણી આવાસ બંધ રાખી કે અન્યોને ભાડે આપી દેવા બદલ મહાનગર પાલિકાએ ચેકીંગ કરી બન્ને આવાસ યોજનામાં કુલ 190 આવાસ સીલ કરી દીધા બાદ મુખ્યમંત્રી આવાસ યોજના લીલાપર રોડ ઉપર ચાર આસામીઓએ આવાસના સીલ તોડી નાખી કેટલાક લોકો રહેવા પણ આવી જતા કાયદો હાથમાં લેનાર ચારેય આસામીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ બાયપાસ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અને લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ચેકીંગ કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 608માંથી 20 ક્વાટર્સમાં અન્ય કોઈ રહેતા હોય બંધ રાખવામાં આવ્યા હોય તેવા 20 આવાસ તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનામાં 400માંથી 170 આવસ સીલ કરી દઈ આવાસ યોજનાના લાભાર્થીઓને કડક સંદેશો આપવામાં આવ્યો હતો.
જો કે, મહાનગર પાલિકાએ લીલાપર આવાસ યોજનામાં સીલ કરેલા 170 આવાસ પૈકી ચાર આવાસમાં લાભાર્થીઓએ મહાનગર પાલિકાની જાણ બહાર સીલ તોડી નાખી અપપ્રવેશ કરી વસવાટ કરવાનું શરૂ કરી દેતા મહાનગર પાલિકા પણ ચોકી ઉઠી હતી અને તાબડતોબ ટીમોને દોડાવી સીલ ખોલી રહેવા લાગેલા આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ફોજદારી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું.