એક વર્ષથી શુદ્ધ પાણી આવતું ન હોય તેમજ સફાઈ કર્મીઓ પણ આવતા ન હોવાથી લોકો વિફર્યા
મોરબી: મોરબીના ભીમરાવનગરમાં છેલ્લા એક વર્ષથી શુદ્ધ પાણી આવતું ન હોય અને સફાઈ કર્મીઓ પણ આવતા ન હોવાથી લોકો વિફર્યા હતા અને ઉશ્કેરાયેલા આ વિસ્તારના લોકોએ આજે મનપા કચેરીએ મોરચો માંડી પાણી આપોનો પોકાર કર્યો હતો. સાથેસાથે તંત્રને બીજી વખત આવેદનપત્ર આપી હજુ પણ શુદ્ધ પાણી અને સફાઈ કર્મીઓનો પ્રશ્ન ન ઉકેલાય તો પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીના વીસીપરા અને રોહિદાસપરાની અંદર આવેલા ભીમરાવનગરમાં રહેતા લોકોએ આજે શુદ્ધ પાણી અને સફાઈ કર્મીઓના પ્રશ્ને મનપા કચેરી દોડી જઇને પાણી આપો પાણી આપોની નારેબાજી લગાવી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ભીમરાવનગરના લોકોએ મનપા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી તેમના વિસ્તારમાં શુદ્ધ પાણી આવતું નથી. અશુદ્ધ પાણીથી આરોગ્ય જોખમાય છે. આથી લોકોને શુદ્ધ પાણી મેળવવા દર દર ભટકવું પડે છે. જો કે શુદ્ધ પાણી આપવા એક વર્ષ પહેલાં તંત્રને રજુઆત કરવા છતાં નિભર તંત્રની ઊંઘ ન ઉડતા અત્યારે ભર ઉનાળે પાણીની હૈયાહોળી સર્જાઈ છે. અત્યારે ભરઉનાળે પાણી મેળવવા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ એક વર્ષથી તેમના વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ આવતા ન હોવાથી ગંદકીના ગંજ ખડકાયેલા છે. આથી ભીમરાવનગરના લોકોએ આજે બીજી વખત તંત્રને આવેદનપત્ર આપી પ્રાથમિક સવલતો પુરી પાડવા અને જો આ પ્રશ્નો ન ઉકેલાય તો પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી આપી છે.

