મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સનું વિશ્વના દરેક દેશમાં વેચાણ કરવામાં આવે છે જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન મોરબીથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી અને છેલ્લે યુદ્ધની પરિસ્થિતીમાં પાકિસ્તાનને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બે દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટેની વિચારણા મોરબી સિરામિક એસો. દ્વારા શરૂ કરવામાં આવી છે
તાજેતરમાં પહેલગામ ખાતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેથી દેશની સેના દ્વારા આતંકવાદીઓનો પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જડબાતોડ જવાબ આપવામાં આવેલ છે અને આતંકીઓના જે અડ્ડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે ત્યારબાદ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે સમયે પાકિસ્તાનને તુર્કી અને અઝરબેજાન દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેથી આ બંને દેશનો જુદા જુદા રાજ્યોની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો. દ્વારા પણ આ બંને દેશોમાં બોયકોટ કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.
વધુમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતની એટલે કે મોરબીથી ટાઇલ્સ મોકલાવવામાં આવતી જ નથી અને હવે યુદ્ધની પરિસ્થિતિ વખતે પાકિસ્તાનને જે બે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બંને દેશ એટલે કે તુર્કી અને અઝરબેજાનમાં પણ ભારતીય ટાઇલ્સ મોકલવાનું બંધ કરવા માટેની વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં અઝરબેજાનમાં મોરબીના ઘણા ઉદ્યોગકારો ફરવા માટે જતાં હતા તે પણ ત્યાં ન જાય તેના માટેની પણ મુમેન્ટ કરવામાં આવશે.

મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ કહ્યું હતું કે, હાલમાં તુર્કી અને અઝરબેજાન દેશમાં કુલ મળીને 100 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવે છે જોકે સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દેશ હિતમાં આ નિર્ણય લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે અને આ બંને દેશમાં મોરબીની ટાઇલ્સનું એક્સપોર્ટ સદંતર બંધ કરવા માટેની ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરીને જાહેરાત કરવામાં આવશે.
