મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામ નજીક આજે વહેલી સવારે આંધ્રપ્રદેશથી બેફામ ગતિએ આવતી આર્ટિગા ગાડી તે સ્થળે પાર્ક થયેલી એસટી બસ પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ કરુણ અકસ્માતમાં આંધ્રપ્રદેશના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આમરણ ગામ નજીક માળીયા જામનગર હાઇવે ઉપર આજે વહેલી સવારે આંધ્રપ્રદેશથી આર્ટિગા ગાડી દ્રારકા તરફ જઈ રહી હતી. તે દરમિયાન આમરણ નજીક વહેલી સવારે પાર્ક થયેલી એસટી બસ પાછળ પુરપાટ ઝડપે આવતી આર્ટિગા ગાડી ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા રામાનુજ ચારુલ ઉ.વ.53, કાશિયારામ ઉ.વ.66 રહે બન્ને આંધ્રપ્રદેશને ગંભીર ઇજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તાલુકા પોલીસને આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઈને અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

