મોરબી : ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે 90 લાખ રૂપિયાની લૂંટ અને ધાડના ચકચારી બનાવમાં મદદગારી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરી તા.30 સુધીના રિમાન્ડ ઉપર લીધો છે.
ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં 90 લાખની લૂંટ અને ધાડના કેસમાં પોલીસે લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઇ ઢેઢીની ધરપકડ કરી છે જેમાં આરોપી દિગ્વિજયે બેડી ચોકડીએથી કાર પસાર થયા બાદ છત્તર પાસે ઉભેલા લૂંટારૂઓને કાર પાસ થઇ ગયાની માહિતી આપી હતી. આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારૂઓને રહેવા જમવા સહિતની સગવડતા આપી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં આરોપી દિગ્વિજય ઢેઢીએ સુરતના અલ્પેશ નામના શખ્સના કહેવાથી આરોપીઓ માટે રેકી કરી લૂંટારૂઓને કારખાનામાં આશ્રય આપ્યો હોવાનું પોલીસની પૂછતાછમાં કબુલતા લૂંટની આ ઘટનાની તપાસ સુરત સુધી લંબાઈ છે.
આ આરોપીને પોલીસે પકડ્યા બાદ હજુ વધુ પૂછપરછ માટે આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આ આરોપીના તા.30 સુધીના રિમાન્ડ મંજુર કરતા હવે પોલીસ સઘન પૂછપરછ કરી વધુ વિગતો મેળવશે.