મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા મિલન પાર્ક-2 સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી ગટર જામ થઈ જવાનો કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવતું હોય તેમ દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છતાં મનપા તંત્ર પગલાં ન ભરતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
શહેરના વાવડી રોડની મિલન પાર્ક-2 સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ તેમની સોસાયટીમાં ભુગર્ભ ગટર બ્લોક થઈ ગઈ હોવાથી પીવાના પાણીમાં પ્રદુષિત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ દૂષિત પાણી વિતરણ કરવા મામલે 8 દિવસ પહેલા મનપાને ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હતી અને ફોન પર પણ ફરિયાદ કરી હતી. પરંતુ મહાનગરપાલિકા દ્વારા આજે થઈ જશે અને કાલે થઈ જશે તેવું કહીને ઉઠા ભણાવવામાં આવે છે. જો કે, મનપાના સફાઈ કર્મચારીઓ એક વખત આવીને 3 કુંડી સાફ કરીને જઇ રહ્યા હતા. પણ પીવાના પાણીમાં ગંદુ પાણી આવતું હોવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપી રહ્યું હોવાનો રહીશો આરોપ લગાવી રહ્યા છે અને ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માગ કરી છે.