માતેલ સાંઢની જેમ દોડતા અવોરલોડ ડમ્પરો હળવદની પ્રજા માટે જોખમરૂપ
(મયુર રાવલ હળવદ દ્વારા ) હળવદની સરા ચોકડી પાસે છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ માતેલા સાંઢની માફક ખુલ્લેઆમ નિકળતા ડમ્પરોથી શહેજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી ખનિજનું વહન અને ખનન ન કરવા જીલ્લા કલેકટરનું જાહેરનામું છતાં પણ ખુલ્લેઆમ ખનિજ માફિયાઓ રાત્રી દરમિયાન ખનિજનું વહન કરી વહાન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
હળવદ શહેર અને તાલુકામાં વાહન અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં અનેક માનવ જિંદગીઓ મોતને ભેટી રહી છે. હળવદના સરા રોડ પર માતેલ સાંઢની માફક ઓવરલોડ દોડતા ડમ્પરો અંકુશમાં રાખવા શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે. મળતી વિગતો પ્રમાણે હળવદ સરા ચોકડી ચોકડી પાસે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતો સર્જાયા હતા. પણ સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ડમ્પર અને ટ્રક ચાલકે ત્રણ દિવસમાં ત્રણ બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. હળવદ શહેર અને તાલુકામાં હિટ એન્ડ રન જેવા કિસ્સાઓમાં અકસ્માત સર્જનાર ચાલક બેફોર્મ સ્પીડ અને ઘણી વખત નશાની હાલતમાં હંકારીને નિર્દોષ માનવ જિંદગીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરી શકતું નથી, આ બાબતે સરા રોડ પર આવેલ સોસાયટીના રહીસોની માંગણી છે કે માતેલા સાંઢની માફક દોડતા અવોરલોડ ડમ્પરો લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. તો તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી છે.

