હથિયારો બનાવતી મીની ફેકટરી ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
મોરબી : મોરબી જિલ્લામા અવાર નવાર બાર બોરની સિંગલ બેરલ બંદૂક સાથે શિકાર શોખીન અને ગુન્હાખોરી સાથે સંકળાયેલ લોકો ઝડપાઇ રહ્યા છે ત્યારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે સચોટ બાતમીને આધારે માળીયા તાલુકાના ચીખલી ગામેથી હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી લઈ એક શખ્સને દબોચી લેવાની સાથે હથિયાર બનાવવાના આ કામમાં અન્ય એક શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ચીખલી ગામે મફતિયાપરામા રહેતો આરોપી સલીમ કાદરભાઈ માલાણી પોતાના ઘેર બાર બોરની સિંગલ બોરની દેશી બંદૂક બનાવી વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી બે બાર બોરની બંદૂક, બાર બોરની બદુકના 60 ખાલી કારતુસ, ગન પાવડર, વેલ્ડીંગ મશીન, ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર, ડ્રિલ મશીન, સિંગરો, લોખંડના છરા, ચાંદલિયાના રોલ સહિતના રૂ.19,070ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો.વધુમાં હથિયારની આ મીની ફેકટરી ચલાવવામાં પોલીસે આરોપી સલીમની પૂછપરછ કરતા આરોપી સીદીક ઉમેદઅલી કાજેડીયા રહે.હાલ ચરાડવા વાળાનું નામ કબુલતા પોલીસે સલીમને અટકાયતમાં લઈ બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ક્રાઇમબ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સલીમ માલાણીએ કબુલ્યું હતું કે, યુટ્યુબમાં વીડિયો જોઈ જોઈને હથિયાર બનાવવાનું શરૂ કર્યું હતું.વધુમાં આરોપી છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બાર બોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાનું અને અત્યાર સુધીના અનેક લોકોને આવા હથિયાર વેચ્યા હોવાનું કબુલતા પોલીસે કોને કોને હથિયાર વેચ્યા તે સહિતની બાબતો આરોપી સલીમ પાસેથી ઓકવવા પ્રયાસો શરૂ કર્યા છે.
