મોરબી : ટંકારાના ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને 3 દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. જે આજે પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટે 2 દિવસના વધુ રિમાન્ડ મંજુર કર્યા છે.
ટંકારા પોલીસ મથકના તત્કાલિન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તા.24 ઓક્ટોબર 2024ની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં ઘૂસી 8 લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો. તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખ લીધા હોવાનું કહેવાય છે.
આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું. જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ સરેન્ડર કર્યું હતું. બાદમાં ફરાર પીઆઈ વાય.કે. ગોહિલને એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા હતા. આ પીઆઈને ગત તા.6ના રોજ કોર્ટમાં 10 દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે તેઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ આજે પૂર્ણ થતાં પીઆઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસમાં અમુક મુદ્દાઓ હજુ બાકી રહી ગયા હોવાથી 5 દિવસના ફર્ધર રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે પીઆઈના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

