ભળતા નામે ખોટી રીતે ખેડૂત બનીને જીવાપરમાં જમીન લીધી હોવાનું બહાર આવતા ટંકારાના હરબટિયાળી ગામના એક પરિવારના 6 સભ્યોને 32 લાખનો દંડ
મોરબી : મોરબી જિલ્લામાં છ શખ્સો બોગસ ખેડૂત બનીને કરોડોની જમીન વેચાતી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જો કે, ટંકારાના હરબટિયાળી ગામના એક પરિવારના છ સભ્યોએ ઓનલાઈન નોંધ કરાવીને ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું ધ્યાને આવ્યા બાદ પ્રથમ દ્રષ્ટિએ જ આ નવા બનેલા ખેડૂતો અંગે મામલતદારને શંકા જતા તેઓએ તપાસ કરાવતા આ છ સભ્યો બોગસ ખેડૂત હોવાનું બહાર આવ્યું હતું. ભળતા નામના ઉપયોગથી ખેડૂત ખાતેદાર બની ગયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા જિલ્લા કલેકટરે ટંકારા તાલુકાના જીવાપર ગામે જમીન ખરીદનાર હરબટિયાળી ગામના એક જ પરિવારના છ સભ્યોની કરોડોની કિંમતી જમીન ખાલસા કરાવી તેમની આ જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ આપીને બોગસ ખેડૂતોને સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમના ભંગ સબબ 32 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના રહેવાસી રાઘવજીભાઈ મોહનભાઇ, સવિતાબેન રાઘવજીભાઈ, રજીનીકાંત રાઘવજીભાઈ, ભાવેશ રાઘવજીભાઈ, કિરીટભાઈ રાઘવજીભાઈ અને શિલ્પાબેન રાઘવજીભાઈએ જીવાપર ગામના સર્વે નંબર 167 પૈકી 1ની જમીન ખરીદ કરી હોય નોંધ પડી ગયા બાદ ખેડૂત ખાતેદાર હોવા અંગેની ઓનલાઈન અરજી કરતા પ્રાંત અધિકારીને જમીન ખરીદનાર ઉતરોતર ખેડૂત ખાતેદાર હોવા અંગે શંકા જતા મામલતદાર ટંકારા મારફતે ઉપરોક્ત નોંધ સહિતની બાબતો અંગે ખરાઈ કરી અહેવાલ મોકલવા સૂચના આપી હતી. જેને પગલે મામલતદારે તપાસ કરાવતા તલાટીએ મોકલાવેલ અહેવાલ ઊપરથી રાઘવજીભાઈ મોહનભાઈએ ઓટાળા ગામે જમીન ધરાવતા હોવાના પુરાવા સાથે જીવાપરમાં જમીન ખરીદી હોવાનું દર્શાવ્યું હતું. હકીકતમાં ટંકારાના ઓટાળા ગામેં જમીન ધરાવતા મોહનભાઇ હીરાભાઈ રાવરિયા અને બોગસ ખેડૂત ખાતેદાર બનેલા રાઘવજીભાઈના પિતા મોહનભાઇ અલગ અલગ હોવાનું સામે આવ્યું હતું.જેથી મોરબીના નાયબ કલેકટરે સમગ્ર મામલે જિલ્લા કલેકટરને અહેવાલ મોકલી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 75 હેઠળ પગલાં ભરવા રિપોર્ટ કરતા મોરબી જિલ્લા કલેકટરે કેસ રિવિઝનમાં લીધો હતો.
આ કેસ મોરબી જિલ્લા કલકેટર સમક્ષ ચાલી જતા અરજદારોએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, તેઓના દાદા હીરાભાઈ રવાભાઈ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુઈ ગામના ખાતેદાર હતા. તે બાદ ટંકારા તાલુકામાં તેઓએ જમીન ખરીદી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા કલકેટરની તપાસમાં કચ્છ રાપરના સુઈ ગામના ખેડૂત હીરાભાઈ રવાભાઈ તેમની હૈયાતીમાં જ તેમના પુત્ર ભીખાભાઇ હીરાભાઈ અને કેશાભાઈ હીરાભાઈને જમીન 1993મા વહેંચણી કરી દીધી હોવાનું તેમજ તેમના પુત્ર મોહનભાઈનો હક્ક જતો કર્યાનું કે વહેંચણીમા ક્યાંય ઉલ્લેખ ન હોવાનું ઉપરાંત તા. 28 -05 – 2024ના રોજ રજૂ કરેલા પેઢીનામાંમા મોહનભાઈનું અવસાન થયું હોવાનું દર્શાવતા હરબટિયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઇ સહિતના અસામીઓ ભળતા નામે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું ખુલ્યું હતું.
આથી બોગસ ખેડૂત ખાતેદારના આ ચોંકાવનારા બનાવમાં મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 75 હેઠળ પગલાં લઈ હરબટિયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઇ સહિતના તમામ છ સભ્યોને બોગસ ખેડૂત ખાતેદાર જાહેર કરી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરી રૂ.32,90,742 દંડ ફટકારી રાઘવજીભાઈ મોહનભાઇ રાવરિયા સહિતના ખાતેદારોએ મોરબી જિલ્લાના જ્યાં ક્યાંય પણ જમીન ખરીદી કરી હોય તે તમામ નોંધ રદ કરવા અને આ ખેડૂતના નામે જમીન આવેલી હોય તો તપાસ કરી આવી જમીન આઇડેન્ટિફાઈ કરી કલેકટર સમક્ષ દરખાસ્ત કરવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો હતો.