ટંકારા : મર્સિડિઝ કાર આમ તો સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે પરંતુ હવે તો મજૂરી કરતા વ્યક્તિ પાસે પણ મર્સિડિઝ કાર હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામ પાસે ટંકારામાં મજૂરી કામ કરતા શ્રમિકની મર્સિડિઝ કારને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી નુકશાન પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગામે પીડબ્લ્યુડી બંગલા પાછળ રહેતા અને મજૂરીકામ કરતા રજાકભાઈ હસનભાઈ મકવાણા ઉ.36 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં જીજે – 12 – બીએન – 3576 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.10જુનના રોજ રાત્રીના સમયે તેમની તબિયત ખરાબ હોવાથી મિત્ર સાથે રાજકોટ દવા લેવા જતા હતા ત્યારે રાત્રીના સમયે તેમની જીજે – 06 – ડીજી – 7521 નંબરની મર્સિડિઝ કારની પાછળ ટ્રક ચાલકે ટ્રક અથડાવી કારમાં નુકશાન કર્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.