મોરબી : ભારત જેવી સંસ્કૃતિ-પ્રધાન ધરતી પર જ્યાં બાળકોને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યાં આજે હકીકત એ છે કે કરોડો બાળકોનું બાળપણ શોષણની ભઠ્ઠીમાં બળી રહ્યું છે. ભણવાની, રમવાની અને ખુશ રહેવાની ઉંમરે ભારતના હજારો બાળકો મજૂરી કરવા માટે મજબૂર છે. રસ્તાઓ પર કચરો ભેગો કરતા, ઢોર ચરાવતા, હોટલમાં ચા પીરસતા કે કારખાનાઓમાં હાડમારી કરતાં કુમળા બાળકોની દશા આપણાં સમાજ માટે જ નહિ, આપણા વિચારો અને વ્યવસ્થાઓ માટે એક મોટો પ્રશ્નચિહ્ન છે.
બાળમજૂરી માત્ર એક સામાજિક દુર્વ્યવસ્થા નથી, તે આપણા ભવિષ્ય માટે ઊંડું ખતરું છે. બાળમજૂર જ્યારે ભણતો નથી, ત્યારે તે અધૂરો નાગરિક બને છે, જેને જીવનમાં પોતાની ઓળખ શોધવી પડે છે. આજે જે બાળક પતંગ બનાવે છે, ફટાકડા ભરતો હોય છે, એ ભવિષ્યમાં મતદાર બને છે—પણ અજાગૃત અને અભણ. આમ આપણું લોકશાહી તંત્ર પણ નબળું બને છે.
એકવાર કોઈ બાળક બાળમજૂરીમાં ફસાઈ જાય, તો તેની જીંદગીમાંથી રમત, ભણતર અને નિર્મળ લાગણીઓનો સમાપ્ત થતો અંશ શરૂ થઈ જાય છે. ઘણા બાળકો ગુનાખોરી કે વ્યસન તરફ ખેંચાઈ જાય છે. ખાસ કરીને છોકરીઓના કિસ્સામાં તો વાત વધુ દુઃખદ બની જાય છે, જ્યાં તેમને બળજબરીથી કુપથ પર દોરવામાં આવે છે. આવા તદ્દન અપમાનજનક કિસ્સાઓ આપણને આપણા સમાજની મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તરફ દોરી જાય છે.
છેલ્લા બે દાયકાથી સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા બાળમજૂરી સામે પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણના અધિકાર, મફત ભણતર, મધ્યાહ્ન ભોજન જેવી યોજનાઓ ચોક્કસ અસરકારક રહી છે. પરંતુ બાળકના શોષણ સામે માત્ર કાયદાઓ કાફી નથી. સમાજના સહયોગ, જાગૃતિ અને લાગણીશીલતા પણ એટલી જ જરૂરી છે.
અસલી લડાઈ ત્યારે શરુ થાય છે જ્યારે આપણે સૌ, આપણાં આસપાસ જોતી દરેક બાળમજૂરીની સ્થિતિ સામે અવાજ ઉઠાવીએ, તેના સમાધાન માટે ભાગીદાર બનીએ. આપણે જ્યાં છીએ ત્યાંથી શરુઆત કરીએ – આપણા ઘર, શેરી, સ્કૂલ, ઑફિસ કે બજારમાં જો કોઇ બાળમજૂરી જોવા મળે, તો તેને અટકાવવા સંકલ્પબદ્ધ પ્રયાસ કરીએ.
દરેક બાળકને ભણવાની, રમવાની, સપના જોવાની અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની તકો આપવી એ આપણી સામૂહિક જવાબદારી છે. બાળમજૂરીના તમામ સ્વરૂપો સામે સામૂહિક વિરોધ એ જ સાચી માનવતા છે.
ભારતમાં બાળમજૂરીનો મૂળ કારણ ગરીબી છે. ગરીબ પરિવારોએ જીવતા રહેવા માટે પોતાનાં બાળકોને પણ કમાણીના સાધન તરીકે જોયા છે. આ સાથે જ આધુનિક યુગમાં પણ શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ, કાયદાઓનું યોગ્ય અમલીકરણ ન થવું અને વ્યવસ્થાઓની નિષ્ફળતા પણ જવાબદાર છે. ઘણા કારખાનેદારો, ખેતમાલિકો કે ઘરમાલિકો સસ્તી મજૂરી માટે બાળકોથી કામ લેવાં આગળ આવે છે કારણ કે તેઓ તેમની નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવે છે.
કાયદાની દ્રષ્ટિએ પણ ભારતના બંધારણની કલમ 24 મુજબ, 14 વર્ષથી નીચાના બાળકોને જોખમી કાર્યોમાં રોકવાનું મનાઈ છે. ઉપરાંત શિક્ષણનો અધિકાર ધારા 21એ હેઠળ દરેક બાળક માટે મફત અને ફરજિયાત છે. છતાં આવા કાયદાઓ કાગળ પર જ રહી જાય છે જો સમાજ સજાગ ન બને. જવાબદારી ફક્ત સરકારની નથી, પરંતુ દરેક નાગરિકે પોતાનો ભાગ ભજવવો જરૂરી છે.
આપણે વિચારીએ કે આપણું ભવિષ્ય આપણાં બાળકોમાં વસે છે, તો પછી કેમ આપણે તેમના ભવિષ્ય સાથે આટલો મોટો અન્યાય સહન કરીએ છીએ? શું આજની પેઢી ભણવાની જગ્યાએ મજૂરી કરતી રહેશે તો આવતી પેઢી કેવી થશે? સમાજની સમૃદ્ધિ માટે જરૂરી છે કે દરેક બાળકને સમાન તકો મળે – ભણવાની, સમજવાની અને આગળ વધવાની.જેમ આપણે વૃક્ષને પાળીએ તો તે ફળ આપે છે, તેમ બાળકને શિક્ષણ અને પ્રેમ મળ્યો તો તે એક જવાબદાર નાગરિક બની રાષ્ટ્રના વિકાસમાં ભાગ ભજવે છે. બાળમજૂરી એ માત્ર સામાજિક નહિ પણ આર્થિક અવરોધ પણ છે. જ્યારે બાળક ભણે છે ત્યારે તે દેશ માટે ઉત્પાદનશીલ બની શકે છે.બાળક સંપૂર્ણ, સંવેદનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપકવતા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. જીવનમાં સમજદારી, આત્મવિશ્વાસ અને સ્વમાન જાગે અને જળવાઈ રહે. જીવન માટે સમતોલ દ્રષ્ટિ કેળવાઈ તથા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે તે પણ સમજી શકે એવો નાગરિક બને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે. આ કાર્ય પડકારરૂપ છે જેને આપણે ઉકેલવાની છે અને આપણે ઉકેલી શકીએ એમ છીએ. જરૂર છે માત્ર આપણી સંવેદના અને સક્રિયતાની…
બધા એ આ લડાઈમાં જોડાવું પડશે… આપણે જ્યાં છીએ ત્યાં આપણી આસપાસ તો આપણાથી બનતું કરીએ. વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ – 12 જૂન આ તારીખ માત્ર વાર્ષિક પ્રસંગ નથી, પણ એક સંકલ્પનું પ્રતિબિંબ છે. આવો, આપણે સૌ મળીને આ દિવસે આ પ્રતિજ્ઞા લઈએ:
🔹 ક્યારેય કોઈ બાળક પાસેથી મજૂરી ન કરાવીએ.
🔹 બાળમજૂરી જોવામાં આવે, તો તુરંત યોગ્ય તંત્રને જાણ કરીએ.
🔹 શાળાએ ન જતા બાળકોને ભણવાનું પ્રોત્સાહન આપીએ.
બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આવો, મળીને બાળમજૂરીના અંધકાર સામે લડી, તેમના જીવનમાં પ્રકાશ ભરીએ… “બાળમજૂરી અટકાવીએ – દેશ બચાવીએ!”
જય હિન્દ 🇮🇳
