પાણી છોડાતું હોય પણ છેવાડાના ગામ સુધી પહોંચતુ ન હોવાથી કપાસના પાકને એક પાણ આપી દીધું, બીજા પાણનું પૂરતું પાણી નહિ મળે તો બિયારણ નિષ્ફળ જશે
મોરબી : માળિયા મિયાણા પંથકના છેવાડાના ગામો સુધી કેનાલનું પાણી ન પહોંચતું હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. હાલ કપાસના પાકને એક પાણ આપી દીધી છે. હવે બીજી પાણ નહિ મળે તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
માળીયાના સુલતાનપુર માજી સરપંચ ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે. કેનાલમાં ઉપરથી પાણી છોડવામાં આવે છે. પણ છેવાડાના ગામોને પૂરતું પાણી મળતું નથી. માળિયા બ્રાન્ચ કેનાલમા છેલ્લા ચાર દિવસથી વિશાલનગર, સુલતાનપુર, વાધરવા, ખીરઈ, પંચવટી, માણાબા, વિજયનગર, ચીખલી, વરડુસર, ખાખરેચી સહિતના ગામોને એક- બે કલાક પાણી માંડ ચાલે તેટલું આવે છે. ત્યારબાદ પાણી ખૂટી જાય છે. ખેડૂતોએ હાલ કપાસનુ આગતરૂ વાવેતર કરેલું છે. એક પાણ આપી દીધુ છે અને બીજું પાણ એકાદ- બે દિવસમાં સરખું નહિ મળે તો નુકસાન થાય એમ છે. એટલે ખેડૂતોની માંગણી છે કે વધુ પાણી છોડવામાં આવે, જેથી છેવાડાના ગામો સુધી યોગ્ય રીતે પાણી પહોંચી શકે.

