આરોપીને ચોરી કરેલા સોના – ચાંદીના દાગીના વેચી નાખ્યાંની કબૂલાત
વાંકાનેર : વાંકાનેર સીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી ગુનાને અંજામ આપનાર એક આરોપીને રૂ.50 હજારની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં હસમુખભાઈ રતીલાલભાઇ મકવાણાના ઘરે તા.13થી 15મે દરમિયાન સોના -ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- ના મુદામાલની ચોરી થઈ હતી. એલસીબીએ આ મામલે તપાસ કરતા ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી હાલે રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ બસ સ્ટેશન પાસે ઉભેલ છે. સ્થળ તપાસ કરતા પંકેશભાઇ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઈ ઉકાભાઈ સોલંકી ઉ.વ.૨૫ રહે. રાજકોટ કુબલીયાપરા વાળો મળી આવતા પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની અને ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના જે વેચી નાખી રોકડા રૂપીયા મળેલ હોય જે રૂપીયામાંથી તેના ભાગમાં ૮૦,૦૦૦/- રૂપીયા આવેલા હતા. જે પૈકી ૩૦,૦૦૦/- રૂપીયા પોતે હોસ્પિટલના ખર્ચમાં વાપરી નાખેલ અને બાકીના ૫૦,૦૦૦/- જે તેની પાસે હોવાની કબુલાત આપતા રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- સાથે તેની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં આ ચોરીમાં કમલેશ ઉર્ફે કમો દિપકભાઈ સોલંકી રહે. કુબલીયાપરા રાજકોટ, વિપુલ વલ્લભભાઈ કાવઠીયા રહે. રાજકોટનું નામ પણ ખુલ્યું છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ વી.એન. પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તેમજ એલસીબી / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.
