મોરબી : કોઈપણ સ્થળે રેઢી હાલતમાં પડેલા બાઇકને ડાયરેકટ કરી ચોરી કરવાની કુટેવ ધરાવતા માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામના રીઢા ગુનેગારોને મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ મોરબી, હળવદ અને કચ્છની ત્રણ વાહનચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામે રહેતો આરોપી રજાક દોસમામદ કાજડિયા વાહનચોરી કરે છે અને હાલમાં આરોપીના કાજરડા ગામે રહેણાંક મકાનમાં ચોરાઉ વાહન સંતાડેલા છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી રજાકના કબ્જામાંથી ત્રણ વાહનો મળી આવ્યા હતા. આરોપી રજાકની પૂછતાછમાં આ વાહનોમાં એક મોરબીના લૂંટાવદરથી બીજું વાહન હળવદના દેવળીયા ગામેથી તેમજ એક વાહન કચ્છના ભચાઉથી ચોર્યાનું કબૂલતા પોલીસે ત્રણેય વાહનો કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
