મોરબીના નાગડાવાસ ગામના વતની જલીબેન મેણંદભાઈ કુવાડીયાના પતિ મેણંદભાઈ કુવાડીયા નાગડાવાસથી મોરબી જતા હતા તે દરમિયાન રસ્તામાં અકસ્માત થતાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતકે ચૌલા મંડળ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી 10 લાખનો વીમો લીધો હતો. જો કે વીમા કંપનીએ મૃતક પાસે લાઇસન્સ ન હોવાથી વીમો આપવાની ના પાડતા જલીબેન કુવાડીયાએ ન્યાય મેળવવા માટે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા અદાલતે વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.
ગ્રાહક અદાલતે જણાવ્યું હતું કે, મૃતકે વીમો લીધો છે અને પ્રીમિયમ પણ ભર્યું છે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી નથી. જેથી વીમા કંપની રૂપિયા 10 લાખ જલીબેન મેણંદભાઈ કુવાડીયાને તારીખ 3-1-2025 થી 6% ના વ્યાજ સાથે તથા રૂપિયા 10,000 અન્ય ખર્ચ પેટે ચૂકવવા આદેશ કર્યો છે.
