મોરબી જિલ્લાની અણીયારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના ધારાસભ્ય તથા મોરબીના ટી.ડી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત નેમ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના પ્રથમ દિવસે મોરબી જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી તાલુકાના ટીડીઓ પી.એસ. ડાંગર, સી.આર.સી કો-ઓર્ડીનેટર રીકિતભાઈ વીડજા દ્વારા અણીયારી પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાળકોને શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના મુખ્યમંત્રી કાળમાં શરૂ કરેલા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કારણે આજે ગુજરાતનું યુવાધન શિક્ષિત બન્યું છે. શાળા પ્રવેશોત્સવ લોકોત્સવ બન્યો છે. ત્યારે આપણે સર્વે ભેગા થઈ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખવા પ્રતિબંધ બનીએ. ચુંવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા બાલવાટિકાથી ધોરણ 8ના તમામ વિદ્યાર્થીને અભ્યાસની કીટ આપી અને પ્રોત્સાહન પૂરું પાડેલ છે. શાળામાં ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તથા બાહ્ય પરીક્ષાઓમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવેલ છે. કાર્યક્રમમાં ગ્રામજનો વાલીઓ ગામના આગેવાનો વગેરે પ્રવેશોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. છેલ્લે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
