ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલા ગંભીર લૂંટના ગુનામાં બે અલગ અલગ કારમાં આવેલા લૂંટારૂઓએ રૂ. 90 લાખની લૂંટ કરી નાસી ગયા હતા. આ ચકચારી બનાવમાં ટંકારા પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તાકીદે નાકાબંધી કરી સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ અને હ્યુમન ઇનટેલિજન્સના સહારે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને દબોચી લઈ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. ટંકારા પોલીસની આ પ્રસંશનીય કામગીરી બદલ રેન્જ આઇજી દ્વારા પીઆઇ કે.એમ છાસીયા સહિતના સ્ટાફને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગત મે -2025માં રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક હોટલ ખજૂરા પાસે બે કારમાં આવેલા લૂંટારુઓએ રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારને ટક્કર મારી 90 લાખની લૂંટ કરી હતી. બનાવની જાણ થતા જ ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નાકાબંધી કરાવી લૂંટ-ધાડને અંજામ આપનાર બે શખ્સોને દબોચી લીધા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 82 લાખની રિકવરી પણ કરી છે ત્યારે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ. છાસીયા સહિતની ટીમને ખાસ “પ્રશંસાપત્ર” એનાયત કરવામાં આવ્યો છે. પ્રશંસાપત્રમાં ફરજ પ્રત્યે નિષ્ઠા, સખત મહેનત અને કટિબદ્ધતાથી કામ કરતા પીઆઇ કે.એમ. છાસીયા તથા તેમની સમગ્ર ટીમના કામની પ્રશંસા કરાઈ છે અને ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.










