વાંકાનેર : રાજકોટ – અમદાવાદ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટનો વેપારી કરી ગુજરાન ચલાવતા ચોટીલાના વતની દંપતીને કાર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મૃત્યુ નીપજ્યું હતું અને પત્નીને પણ ઇજાઓ પહોચી હતી.અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો.
રાજકોટ – અમદાવાદ હાઇવે ઉપર ગત તા.22જુનના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટની લારી રાખી વેપાર કરતા ચોટીલાના બોરીયાનેશ ગામના વતની હિમતભાઇ ઉગરેજીયા અને તેમના પત્ની ભારતીબેન ઉગરેજીયાને જીજે – 16 – ડીએસ – 7851 નંબરના કાર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા હિમતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માતમાં ભારતીબેનને પણ ઇજાઓ પહોંચી હોય બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.