મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાળચક્ર ફરી વળતા ચાર અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિના અકાળે અવસાન થયા હતા. જેમાં ટંકારામાં બેભાન બની જતા આધેડનું, મોરબીના રાજપરમાં ચેન કપ્પો તૂટતા યુવાનનું તેમજ અન્ય બે કિસ્સામાં ગળેફાંસો ખાઈ લેતા બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.
પ્રથમ બનાવમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ વિઝન કારખાનામાં કામ કરતા રમેશરામ મોશાફિરરામ ઉ.40 ચેન કપ્પાથી બોલેરોમાં મશીન ચડાવતા હતા ત્યારે ચેન કપ્પાનો પાઇપ તૂટીને માથાના ભાગે લાગતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા રમેશભાઈ પેથાભાઈ પરમારને માનસિક બીમારી હોવાની સાથે આચકીની દવા પણ ચાલુ હોય જેનાથી કંટાળી પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જ્યારે ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં પોતાની વાડીએ મુનાભાઈ લખમણભાઈ માલકીયા ઉ.44 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી. જ્યારે ચોથા બનાવમાં ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રમેશભાઈ જેસાભાઈ પરમાર ઉ.46 વાડીએ હતા ત્યારે બેભાન બની જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.