મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલરમાં સફેદ માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ભાયાતી જાંબુડિયા નજીક હોટલના મેદાનમાં ઉભો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 816 બોટલ સાથે બે શખ્સને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો મોરબીના બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યુ હતું.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે,મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સફેદ માટીની આડમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. ઉક્ત બાતમીને આધારે એલસીબી ટીમે ભાયાતી જાંબુડિયા નજીક આવેલ શક્તિરાજ હોટલના મેદાનમાં દરોડો પાડી આરજે – 36 – જીએ – 9523 નંબરના ટ્રક ટ્રેઇલરને ચેક કરતા બ્યાવર રાજસ્થાનના રહેવાસી આરોપી ટ્રક ચાલક રવીજીતસિંહ રૂપસિંગ રાવત અને ક્લીનર અબ્દુલ શ્રવણસિંગ મેરાતના કબજા વાળી ટ્રકમાંથી સફેદ માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 816 બોટલ કિંમત રૂપિયા 8,97,600 મળી આવતા પોલીસે 15 હજારના ત્રણ મોબાઈલ ફોન, 20 લાખની કિંમતનો ટ્રક તેમજ 42 ટન માટી સહિત રૂ.29,34,204નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બન્ને ઇસમોની પૂછતાછમાં આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે.બ્યાવર રાજસ્થાન વાળાએ ટ્રકમાં ભરી આપ્યો હોવાનું અને દારૂનો આ જથ્થો મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ પાસે રહેતા ઉદયભાઈ જોરુભાઈ કરપડાને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.