મોરબી : મોરબીના રવાપરા વિસ્તારમાં રહેતો આઠ વર્ષનો માસમુ બાળક સાત દિવસ પૂર્વ ગુમ થયા બાદ કાલાવડ પહોંચી ગયા બાદ આ બાળક પોલીસને મળી આવતા રવાપરા ગામના પૂર્વ સરપંચને જાણ કરતા પૂર્વ સરપંચે માનવતા દાખવી બાળકના પરિવારજનોને સાથે લઈ કાલાવડ પહોંચી બાળક સાથે પરિવારનું મિલન કરાવ્યું હતું.
મોરબી શહેરના રવાપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભરવાડિયાનો આઠ વર્ષીય બાળક ગોવિંદ સાત દિવસથી ગુમ થયો હોય પરિવારજનો બાળકને શોધતા હતા તેવામાં રવાપરા ગામના પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ગામનો બાળક કાલાવડ ખાતેથી મળી આવેલ છે અને હાલમાં પોલીસ મથકે છે.જેથી તેમના પરિવારને જાણ કરવા કહ્યું હતું, બીજી તરફ પૂર્વ સરપંચે આ બનાવમાં માનવતા દાખવી બાળકના ભાઈને સાથે લઈ તાત્કાલીક કાર લઈ કાલાવડ પહોંચી બાળક ગોવિંદને મોરબી લાવી તેમના પરિવારને સોંપી આપતા સલાટ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી.


