જો એક દિવસમાં અધિકારીઓ થાકી ગયા તો અમે દર ચોમાસે નર્ક જેવી યાતના ભોગવીએ છીએ એટલે અમારી કેવી હાલત થતી હશે ? : વેપારીઓ
મોરબી : મોરબીના લાતી પ્લોટના વેપારીઓના શનાળા રોડ ઉપર ચક્કાજામને પગલે સ્થળ પર વેપારીઓને સમજાવવા દોડી ગયેલા બંને ડેપ્યુટી કમિશનરોએ વેપારીઓએ લાતી પ્લોટમાં ચાલીને હાલતની અનુભૂતિ કરાવતા આ બન્ને અધિકારીઓ લાતીપ્લોટમાં ભરેલા પાણી અને ગારા કીચડમાં ચાલીને હાંફી ગયા હતા. જો કે આ અધિકારીઓએ લાતી પ્લોટની વિઝીટ લઈ આવતીકાલે ગુરુવારથી વેટમિક્ષ નાખવા સહિતની કામગીરી શરૂ કરી દેવાની ખાતરી આપી છે. બીજી તરફ ચક્કાજામ હજુ યથાવત છે.
મોરબીનો લાતી પ્લોટ વર્ષોથી રોડ -ગટર સહિતની અનેક પાયાની સુવિધાઓથી વંચિત છે. તેવામાં ગઈકાલે કન્યા છાત્રાલય રોડના સ્થાનિકોએ ચક્કાજામ કરી મહાપાલિકા પાસે તાબડતોબ કામ શરૂ કરાવ્યાની ઘટના ઘટ્યા બાદ લાતી પ્લોટના વેપારીઓએ પણ શનાળા રોડ ઉપર આજે સવારે 11:00 વાગ્યાથી ચક્કાજામ શરૂ કર્યો હતો. ત્યારબાદ આશરે 30 થી 40 મિનિટમાં જ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરો સંજય સોની અને કુલદીપસિંહ વાળા ચક્કાજામ સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં તેઓએ વેપારીઓને સાંભળ્યા હતા. આ વેળાએ વેપારીઓએ એવી માંગ કરી હતી કે બંને અધિકારીઓ લાતી પ્લોટમાં રૂબરૂ આવી ત્યાંની દુર્દશા જોવે. આ માંગને પગલે બન્ને ડેપ્યુટી કમિશનરો દ્વારા કીચડ અને પાણી ભરેલા રસ્તા ઉપર ચાલી લાતી પ્લોટમાં ગયા હતા. અધિકારીઓએ વેપારીઓને ખાતરી આપી હતી કે આવતીકાલે ગુરુવારથી વેટમિક્ષ નાખવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ ખાતરી આપ્યા બાદ વેપારીઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો આવતીકાલથી કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો બીજા દિવસે તેઓ મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરશે. વધુમાં વેપારીઓએ એવો પણ બળાપો ઠાલવ્યો હતો કે હજી તો અધિકારીઓ થોડે સુધી જ લાતી પ્લોટમાં ચાલીને આવ્યા હતા. ત્યાં અહીંથી જ તેઓ દુર્દશા જોઈને ચાલ્યા ગયા છે. આખા લાતી પ્લોટમાં ફર્યા નહિ. ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ કામ શરૂ કરવાની ખાતરી આપી છે. બીજી તરફ વેપારીઓ દ્વારા હજુ ચક્કાજામ યથાવત છે.


