માર્કેટ યાર્ડના કચરાના ગંજને લીધે ગંદકી ફેલાતી હોવા છતાં તંત્રએ કાર્યવાહી ન કરતા મહિલાઓ વિફરી
મોરબી : મોરબીમાં જન આંદોલને રાજકીય સ્વરૂપ ધારણ કરી લેતા વિપક્ષ કોંગ્રેસે પોલીસની ઘેરાબંધી વચ્ચે પણ મહાપાલિકાને ઘેરાવ કરતા તેમજ સામેપક્ષે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોટા કાફલા સાથે રાજીનામુ આપવા ગાંધીનગર પહોંચ્યાના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સમસ્યાઓને લઈને ચક્કાજામનો દૌર ચાલુ રહ્યો હતો. જેમાં મોરબીના માર્કેટિંગ યાર્ડનો કચરો સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી ફેલાવતો હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરતા આસપાસની.મહીંલાઓ વિફરી હતી અને માર્કેટીંગ યાર્ડના ગેઇટને થોડો સમય માટે બંધ રાખીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોરબીના માર્કેટીંગ યાર્ડના કચરાના ગંજને લઈને આસપાસની મહિલાઓ રોષે ભરાય હતી. આ મહિલાઓ એ રોષ સાથે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં કચરો એટલા બધા મોટા પ્રમાણમાં છે કે, આ કચરાના ગંજથી ભારે દુર્ગધ ફેલાતી હોય અને રોગચાળો વકરવાની ભીતિ છે. આ ગંદકીની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં આવી રહી છે. જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી તંત્રને ઢંઢોળવા માટે મહિલાઓએ માર્કેટીંગ યાર્ડનો ગેટ બ્લોક કરી દીધો હતો. કોઈને અંદર કે બહાર જવા દેવામાં આવતા ન હતા. જો કે થોડી વાર સ્થાનિક મહિલાઓએ જાતે જ આ ચક્કાજામ હટાવી દીધો હતો અને કહ્યું હતું કે હજુ જો કામગીરી કરવામાં નહિ આવે તો લાંબા સમય સુધી ચક્કાજામ ચાલશે.

