મોટી સંખ્યામાં યુવાનોએ પોલીસ મથકે ઉમટી રાજ ઠાકરે વિરૂદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવાની માંગ કરી, ગુનો નહિ નોંધાય તો કોર્ટમાં જવાની તૈયારી
મોરબી : લોખડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ ઠાકરે વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસને અરજી આપવામાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉમટી પડી જો ગુનો નોંધવામાં નહિ આવે તો કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
અરજીમાં જણાવાયુ હતું કે મુંબઇના એક જાહેર કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજઠાકર દ્વારા દેશના પનોતા પુત્ર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ પર અપમાનિત નિવેદન આપવાથી ગુજરાત તેમજ દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાણી હોય તેમજ રાજઠાકરે જેવા બે કોડીના નેતા જેનુ મુંબઇમાં પણ કોઇ સ્થાન નથી. તેવા લોકો સરદાર પટેલને શું માને છે શું નથી માનતા તેનાથી આ રાષ્ટ્રની સરદાર પ્રેમી જનતાને કોઇ ફેર પડતો નથી સરદાર લોહપુરુષ હતા છે અને રાષ્ટ્ર માટે રહેશે.તો પાટીદાર યુવા સેવા સંઘ મોરબી એવી માંગણી કરે છે ગુજરાતની કાયદી અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજ ઠાકરેને ગુજરાતમાં કાયદાકીય રીતે પ્રવેશબંધિ કરવામાં આવે.
આ સાથે રાજઠાકરે રાષ્ટ્રના પનોતા પુત્ર સરદાર પટેલ સાહેબ તેમજ ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઇની જાહેરમાં માફી માંગે તેમજ જો રાજઠાકરે માફી ના માંગે તો રાષ્ટ્રના નાયકના અપમાન બદલ રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમો લગાવી રાજઠાકરેને જેલના સળીયા પાછળ ધકેલવાની માંગણી કરીએ છીએ.
આ અંગે મનોજ પનારાએ જણાવ્યું કે આપણા મહાનાયકો વિશે ટિપ્પણી કરી છે તેને અત્યારે રોકવામાં નહિ આવે તો તેની હિમ્મત વધી જશે. જેથી રાષ્ટ્ર દ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ છે.જો ગુનો નોંધવામાં નહિ આવે તો અમે આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવીશું.

