મોરબી : મોરબીના શનાળા પાસે એક વેપારી પાસેથી રૂ.3.5 લાખની રોકડની લૂંટ ચલાવનાર શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ શખ્સ વેપારીના ગામનો જ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તે હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબીમાં શક્ત શનાળામાં લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાછળ શીવમ હાઇટસની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ. ૪૭)એ આરોપી તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ મોરબીના નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે દુકાનેથી રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે દુકાન બંધ કરીને પોતાનુ બાઇક લઇને ઘરે આવવા નીકળેલ હતા. ત્યારે ધંધા માટે રૂપિયાની જરૂરીયાત હોય મિત્ર હરીભાઈ કાવર પાસેથી જીઆઈડીસીના નાકેથી રૂ.4 લાખ લીધા હતા. જેમાંથી રૂ.30 હજાર લીમડાવાળા મેલડી માતાના મંદીર પાસે આવેલ બજરંગપાન વાળા કેતનભાઈને આપ્યા હતા. બીજા રૂ.20 હજાર ખિસ્સામાં રાખ્યા હતા. આ દરમિયાન એક શખ્સે પાછળથી આવી હાથમા રહેલ થેલો અચાનક બળજબરી પુર્વક ઝુટવતાં બંને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. આરોપી તેમના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હોય અને તે હાથમાથી રૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો લઈને નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વિશાલ વેલજીભાઈ રબારી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

