બે કુરિયર કર્મચારીને જાનથી પતાવી દેવા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ ઘડિયાળના કારખાનમાં પાર્સલની ડિલિવરી આપવા ગયેલા બે કુરિયર કર્મચારીઓને કારખાનેદારે કાલે કેમ પાર્સલ બહાર મૂકીને જતા રહ્યા ? હવે પછી ભૂલ કરશો તો જીવતા નહિ જવા દઉં કહી ફડાકા ઝીકી દેતા બનાવ અંગે કારખાનેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ડિલિવરી ડોટ કોમ નામના કુરિયરમાં કામ કરતા ફરિયાદી શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ પીળનકરે ટંકારા પોલીસ મથકમાં શ્રેયા ઘડિયાળના કારખાનાદાર આરોપી રાકેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.24ના રોજ તેઓ સુપરકેરી ગાડીમાં આરોપી રાકેશભાઈના કારખાને વિરપર ખાતે પાર્સલ દેવા ગયા ત્યારે આરોપીએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા તમે કેમ પાર્સલ બહાર મૂકીને જતા રહ્યા હતા ? જેથી શ્રીકાંતભાઈએ કહ્યું હતું કે, પાર્સલ તો તમને મળી ગયું છે ને. જેથી ઉશ્કેરાઈ ગયેલા રાકેશભાઈએ શ્રીકાંતભાઈ તેમજ તેમની સાથે રહેલા સહ કર્મચારી સુરજભાઈ અનિલભાઇ પાંડેને ફડાકા ઝીકી દઈ હવે પછી ભૂલ કરશો તો જીવતા નહિ જવા દઉં તેવી ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.