શેઠની શીખામણ ઝાંપા સુધી, ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવાનો આદેશ આપી ગયા છતાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવી પડકાર ફેંક્યો
મોરબી : મોરબીમાં જે દિવસે મોડી સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. એ જ રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જો કે શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એમ ગૃહમંત્રી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની યોગ્ય રીતે જાળવણી કરવાની શીખ આપીને ગયાના થોડા સમયમાં તસ્કરોએ પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીગના દાવાની પોલ ખોલી નાખી હતી. તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી એક સાથે ત્રણ ત્રણ મકાનને નિશાન બનાવી ઘરધણીને પુરી દઈ ચોરીને અંજામ આપી 1.96 લાખની માલમતા ચોરી કરી જતા મધુવન, રીલીફનગર અને શાંતિવન સોસાયટીના રહેવાસીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબીમાં થયેલી ત્રણ ત્રણ ચોરીની ઘટનાની વિગત જોઈએ તો નેશનલ હાઇવે ઉપર મધુવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા ઉ.67 નામના વૃદ્ધે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ રાત્રીના સમયે તેઓ પરિવાર સાથે નીચે મકાન બંધ કરી ઉપરના માળે સુતા હતા ત્યારે તસ્કરોએ બહારથી આગળીયો મારી ઘરમાં પુરી દઈ નીચેના માળે ચોરી કરી હતી જેમાં તસ્કરો સોનાની બંગડી, ચેઇન, મંગળસૂત્ર, બુટી તેમજ 40 હજાર રોકડ સહિત દોઢેક લાખની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત તસ્કરોએ આજ રાત્રીના રીલીફનગરમાં ફરિયાદીના મિત્ર દીપકભાઈ પ્રભુભાઈ મહેતાના ઘરમાં પણ ચોરી કરી હતી જ્યાંથી તસ્કરો ચાંદીના ઝાંઝરા, ચેઇન, ચિપ વાળા પાટલા સહિત 30 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ નવલખી રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા રામજીભાઈ માવજીભાઈ પરમારના ઘરને પણ નિશાન બનાવી સોનાના નાકના દાણા, ચાંદીના સાંકળા અને રોકડ સહિત સાતેક હજારની માલમતાની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જાહેર કરાતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.