વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિ
વાંકાનેર મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ડોર્મિટરી તથા સ્ટાફ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ સોમાણીએ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારત શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે તો જ વિશ્વ ગુરુ બની શકશે. વધુમાં તેમણે નવોદય વિદ્યાલય વિશે જણાવ્યું હતું કે, આ સંસ્થા અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે જે પ્રતિભાશાળી ગ્રામીણ બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. નવોદય તાજેતરની CBSE પરીક્ષાઓ તેમજ IIT JEE પરિણામોમાં ઉત્કૃષ્ટ પરિણામો આપી રહ્યું છે.
પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયાના આચાર્યશ્રી આર.કે બોરોલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આ વિદ્યાલયમાં ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ આધુનિક વિદ્યાલય કેમ્પસ ઉત્તમ વર્ગખંડો, આધુનિક પ્રયોગશાળાઓ, રમતના મેદાનો, ડાઇનિંગ હોલ, વિદ્યાર્થી હોસ્ટેલ અને સ્ટાફ રહેઠાણથી સજ્જ છે. નવા વધારાના વિદ્યાર્થી હોસ્ટેલ અને સ્ટાફ ક્વોટર્સ બનાવવામાં આવ્યા છે તે બાળકો માટે ઉપલબ્ધ શૈક્ષણિક તકોમાં નોંધપાત્ર વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે, મોરબી નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત થતા અહીં સરકાર દ્વારા જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી છે. જવાહર નવોદય વિદ્યાલય મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના પ્રતિભાશાળી બાળકોને ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધી મફતમાં ગુણવત્તા યુક્ત આધુનિક નિવાસી શિક્ષણ પૂરું પાડે છે. આ શાળાઓના શિક્ષણમાં સામાજિક મૂલ્યો પર્યાવરણ જાગૃતિ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ જેવા આવશ્યક ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે તેમ વિદ્યાલયના આચાર્ય રવિન્દ્ર બોરોલેની યાદીમાં જણાવાયું છે.






