તમામ પ્રકારના રિપોર્ટની સુવિધા ઘર આંગણે જ પૂરી પાડવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાની મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત
મોરબી : મોરબી જિલ્લાના 800 જેટલા દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ માટે રાજકોટના ધક્કા ખાવા પડે છે. આથી આ આરોગ્ય સુવિધા આપવા બાબતે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ ટમારીયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતના રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં હાલમાં 800થી પણ વધારે દિવ્યાંગ બાળકો નોંધાયા છે. આ બાળકો વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ જેવા કે, થેલેસેમીયા ઇકો.બોન્ડેજ, ઓડિયોગ્રામ વગેરે રિપોર્ટ કરાવવા માટે મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલે જવું પડે છે. જે લોકો પાસે વાહનની વ્યવસ્થા છે તેઓ માટે રાજકોટ સિવિલ સુધી તો સરળતાથી જઇ શકે છે. પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ રિપોર્ટ માટે સવારથી સાંજ અથવા રાત રોકાવવુ પડે છે. અને જો આજ દર્દી એક સામાન્ય કે શ્રમિક પરિવારમાંથી હોય તો તેની મુશ્કેલીઓ વધી જાય છે. ત્યારે મોરબી જિલ્લામાં આવા તમામ દર્દીઓને આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ ઓછી થાય તે માટે મોરબી જિલ્લામાં તમામ રિપોર્ટ સરળતાથી થઈ શકે તે માટેની વ્યવસ્થા મોરબી જિલ્લામાં ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.
