એલસીબી, તાલુકા અને એ ડિવિઝન પોલીસની દારૂની બદી ઉપર તવાઈ, 3 નાસી છૂટ્યા
મોરબી : મોરબી શહેર અને તાલુકામાં દેશી – વિદેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પોલીસ ઝુંબેશરૂપે કામગીરી કરી ગઈકાલે મોરબી શહેર, ઘુંટુ, બેલા અને ઉંચી માંડલ ગામ વિસ્તારમાં અલગ અલગ છ દરોડા પાડી દેશી, વિદેશી દારૂ તેમજ વાહન મળી કુલ 2, 09,020નો મુદ્દામાલ કબ્જે કરી 11 આરોપીઓની ધરપકડ કરી 3 આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર ગામની સીમમાં પોલો સર્કલ નજીકથી આરોપી અજય હસમુખ વીંઝવાડીયા રહે.રણછોડનગર, વીસીપરા વાળાને જીજે – 36- એડી-7789 નંબરના બાઈક ઉપર 60 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 12 હજાર સાથે ઝડપી લઈ બાઈક સહિત 42,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દેશી દારૂનો આ જથ્થો વીસીપરામાં રહેતી ડિમ્પલ હિતેશભાઈ રાઠોડનો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં એજીલીસ સિરામિક પાસેથી આરોપી રણજીત નથુભાઈ વણપરા રહે.એજીલીસ સિરામિક મૂળ રહે.સુરેન્દ્રનગર વાળાને જીજે – 03 – ઈકે – 3686 નંબરના બાઈક ઉપર વિદેશી દારૂના 10 ચપલા કિંમત રૂપિયા 3120 સાથે ઝડપી લઈ 20 હજારના બાઈક સહિત 23,120નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે જુના ઘુટુ ગામના સ્મશાન પાસેથી આરોપી ડાયાભાઇ મોતીભાઈ ગોધા અને આરોપી ચિરાગ શંકરલાલ લાફા રહે.લાટો સિરામિક રાતાવિરડા મૂળ રહે. બનાસકાંઠા વાળાઓને જીજે – 36 – એન – 9876 નંબરના બાઈક ઉપર વિદેશી દારૂના 28 ચપલા કિંમત રૂપિયા 7700 સાથે ઝડપી લઈ 20 હજારના બાઈક સહિત 27700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે ચોથા દરોડામાં મોરબી એલસીબી ટીમે ઉંચી માંડલ ગામની સીમમાં સ્મશાન નજીક આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાં દરોડો પાડી આરોપી જોરુભાઈ અજાભાઈ ભાટિયા રહે.રામકો, ઘુટુ અને આરોપી જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ રહે.રામકો ઘુટુ વાળાને વિદેશી દારૂની 180 મીલીની 221 બોટલ કિંમત રૂપિયા 77,100 તેમજ બિયર ટીન નંગ 70 કિંમત રૂપિયા 12,600 સહિત કુલ રૂપિયા 89,700 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂ બિયર આરોપી જયેશ બાવાજી રહે.ઘુટુ રામકો વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા ત્રણેય વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાંચમા દરોડામાં એલસીબી ટીમે બેલા ગામની સીમમાં એડમીન સિરામિક નજીક મોરબી વીસીપરામાં રહેતી ડિમ્પલ હિતેશભાઈ રાઠોડ નામની મહિલાના દેશીદારૂના અડ્ડામાં દારૂ વેચાણ કરતા આરોપી હરીશ મનુભાઈ મજીઠીયા રહે.લાતીપ્લોટ, રાજ જગદીશભાઈ પંડ્યા રહે.રણછોડનગર, અર્જુન હીરાભાઈ ધોળકિયા રહે.ઇન્દિરાનગર અને આરોપી ગોવિંદ ધીરુભાઈ સુરેલા રહે.ઇન્દિરા નગર વાળાઓને પ્લાસ્ટિકના જગમાં દેશી દારૂ ભરી વેચાણ કરતા ઝડપી લઈ રૂપિયા 27 હજારની કિંમતનો 135 લીટર દેશી દારૂ કબ્જે કરી ડિમ્પલ હિતેશ રાઠોડને ફરાર દર્શાવી પાંચેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે છઠ્ઠા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ પાસેથી આરોપી પિયુષ જગાભાઈ લૂખી રહે.ગોલ્ડન માર્કેટ, મૂળ રહે.અખતરિયા તા.ગારીયાધાર, જી.ભાવનગર વાળાને વિદેશી દારૂની 500 મીલી એટલે કે પોણી ભરેલી બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.