મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે મહેન્દ્રનગર પાસે દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 હોડીગ્સને હટાવવામાં આવ્યા હતા.
મોરબી મહાપાલિકા દ્વારા અગાઉ વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દર અઠવાડિયે એટલે કે બુધવારે જ કોઈને કોઈ વિસ્તારમાં રોડને નડતરરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મનપા દ્વારા છેલ્લા થોડાં સમયથી કોઈ કારણથી દર બુધવારે આ દબાણ હટાવની કામગીરી એટકાવી દેવામાં આવી હતી. થોડા સમયના બ્રેક બાદ ફરીથી આજે મનપા દબાણ હટાવવા માટે સફાળું જાગ્યું હતું અને આજે સવારે મહેન્દ્રનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ લીધા બાદ દબાણો ધ્યાનમાં આવતા મહાપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ બાજુમાં બન્ને તરફથી દબાણો 20 જેટલી કેબિન અને 25 હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ ડોર ટૂ ડોર કલેકશન માટેની સાયકલ લારી હસ્તગત કરાઇ
ડીમોલેશન દરમિયાન પાંચ જેટલી ડોર ટૂ ડોર કલેકશન માટેની સાયકલ લારી જે ગ્રામ પંચાયત હસ્તક હતી તે જોવા મળી હતી. જેથી મહાનગરપાલિકાની ટિમ દ્વારા તેને હસ્તગત કરવામાં આવી હતી.

