મોરબી : ફિટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેરના મહિલાઓ તેમજ દીકરીઓને એક સુંદર રોજગારીની તક મળે તેમ જ તેમનામાં રહેલી આંતરિક શક્તિઓ અને રચનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી ફિટનેસ વુમન્સ ક્લબ તેમજ નીલકંઠ વિદ્યાલય દ્વારા તારીખ 3 ઓગસ્ટ રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાખી મેકિંગ સ્પર્ધામાં 80થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો .આ સ્પર્ધામાં 11 થી 18 તેમજ 18 થી 60 વર્ષ સુધીના બહેનોએ બંને કેટેગરીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વેસ્ટ માંથી બેસ્ટ રાખડીઓ બનાવી પોતાની કળાનું આગવુ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં બંને કેટેગરીમાં પાંચ પાંચ ઇનામ તેમજ ઘણા બધા પ્રોત્સાહન ઈનામો તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકને શ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રાજકોટથી પધારેલા જુલીબેનએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડોક્ટર દીક્ષાબેન (રાધે ક્રિષ્ના હોસ્પિટલ), શોભનાવા ઝાલા (ફાઉન્ડર મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ ), કંચનબેન અગારા, જલ્પાબેન (પ્રિન્સિપાલ ક્રિષ્ના સ્કૂલ)એ ખાસ પધારી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ફિટનેસ વુમન્સ ક્લબના સંચાલક કાજલબેન આદ્રોજા તેમજ સાધનાબેન ઘોડાસરાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં તમામ ઇનામો પણ આ બંને બહેનો તરફથી આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી સંચાલક જીતસર વડસોલા તેમજ સમગ્ર નિલકંઠ સ્ટાફ એ ખૂબ જ મહેનત કરી હતી. મોરબી શહેરમાં આટલા સરસ કાર્યક્રમનું આયોજન કરીને કાજલબેન આદ્રોજા તેમજ સાધનાબેન ઘોડાસરાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા અમે મોરબી શહેરમાં જે કોઈપણ જરૂરિયાતમંદ મહિલાઓ હશે તેને વધારેમાં વધારે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તેવા પ્રયત્નો કરશું. ભાગ લેનાર તમામ સ્પર્ધકો તેમજ અતિથિઓએ આ કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો હતો.
