આયોજકો અને ધારાસભ્યના ભાષણને લઈને અજય લોરીયાએ ઉઠાવ્યા સવાલો
મોરબી : મોરબીમાં ડિસ્કો-દાંડિયા કલાસ બંધ કરાવવા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. ત્યારે આ સભાના આયોજકો અને સભામાં ધારાસભ્ય કાંતિલાલના ભાષણ પર અજય લોરીયાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આ સભામાં સિલેક્ટેડ લોકોને જ બોલાવાયા હોવાના આક્ષેપ કર્યા છે.
અજય લોરીયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે દાંડિયા ક્લાસ ખરેખર એક દુષણ છે. પાટીદારની સભામાં સમાજની એકતા જોવા મળી છે. આ સભા યોજાઈ તેનું મને ગર્વ છે.અને ખરેખર દાંડિયા ક્લાસ બંધ થવા જોઈએ. પરંતુ મોરબીના ધારાસભ્ય કાંતિલાલએ સ્ટેજ ઉપર આવીને જે વિષય દાંડિયા ક્લાસનો વિષય હતો તેના વિશે તો બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા ખાઈને નહીં. 30 વર્ષથી આ એક જ ભાષણ સાંભળતા આવ્યા છીએ તેમ કહી ધારાસભ્યના ભાષણ સામે તીખી પ્રતિક્રિયા આપી હતી.
અજય લોરિયાએ વધુમાં જણાવ્યું હતું કે સભાનું જે આયોજન થયું તે સારું હતું. અમારા સમાજ માટે ગર્વની વાત છે. પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી એટલે સમાજ ભેગો થયો હતો. આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા હતા. સમાજના બીજા ઘણા આગેવાનો છે જેમ કે મોહનભાઈ કુંડારીયા, પરસોતમભાઈ રૂપાલા, બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજાળીયા, જયંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જીગ્નેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતના ઘણા સભ્યો છે તેમને કોઈને આમંત્રણ આપવામાં ન આવ્યું. 8:30 વાગ્યે કિશોરભાઈ ચીખલીયાને આમંત્રણ માટે ફોન કરવામાં આવ્યો. જમવાની પંગત બેસી જાય પછી જમવા માટે આમંત્રણ આપો તે કેટલું યોગ્ય છે.
પહેલા સભા માટે આયોજકો દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં કોઈ એ કહ્યું ન હતું કે રાજકીય આગેવાનો આવવાના છે. અડધી કલાકમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓ આવી પણ ગયા હતા. નવરાત્રી વર્ષોથી થાય છે ચૂંટણી નજીક આવે છે એટલે આ બધું તમને દેખાયુ.
જ્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે યુવાન દીકરી હોય, દીકરો હોય બન્ને દાંડિયા રમતા સંપર્કમાં આવે તેમાં 15000 દીકરી રમતી હોય તો પાંચેક બનાવ બને છે. એક કિસ્સામાં દીકરી ભાગી ગઈ હતી એ દીકરીને અમે પાછા પણ લાવ્યા છીએ. અમારી પાટીદાર નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા પણ થાય છે. હા આ વખતે અમે કોઈ મોટા ફિલ્મી સેલિબ્રિટીને પાટીદારમાં નહીં બોલાવીએ. તેમજ સમાજ વિરુદ્ધ જઈને જે દાંડિયા કલાસ શરૂ કરશે. તો ત્યાંના લોકોને પાટીદાર નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. કન્યા છાત્રાલયના ક્લાસમાં જે જતા હશે તેને બસ તેડવા જાય તેવી પણ વ્યવસ્થા કરાશે.
